ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા 37 પાર્સલમાંથી મળી આવેલા 5 કિલો 670 ગ્રામ હાઈબ્રિડ ગાંજો સ્વીટ, બ્રેક ફાસ્ટ અને લંચ – ડિનરની સાથે એર ટાઈટ પેકિંગની અંદર મોકલવામાં આવ્યો હતો. એર ટાઈટ પેકિંગમાં કોઈ પણ વસ્તુની સ્મેલ બહાર આવતી નહીં હોવાથી તે પકડાવવાની શકયતા નહિવત બની જાય છે. મીઠાઈની આડમાં સૌથી ઓછો 5 થી 10 ગ્રામ અને લંચ – ડિનરના બોક્ષની આડમાં સૌથી વધારે 800 થી 900 ગ્રામ ગાંજો મોકલવામાં આવ્યો હતો. એર ટાઈટ પેકીંગમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ કસ્ટમ કે અન્ય કોઈ એજન્સીઓ ખોલીને જોતા નથી. જો કદાચ ખોલીને જોવે તો પણ તેમાંથી ગાંજો પકડાવવાની શકયતા બહુ ઓછી છે.
ખાવા – પીવાની વસ્તુઓના એર ટાઈટ પેકિંગમાં પેક કરીને મોકલવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, ટેડીબેર,હીલવાળા શુઝ, એલઈડીનો ઉપયોગ પણ ડ્રગ ડિલરો ગાંજો મોકલવામાં માટે કરી રહ્યા છે. 1 વર્ષમાં ક્રાઈમ બ્રાંચે 2 અને સાઈબર ક્રાઈમે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઈબ્રિડ ગાંજાના 4 કન્સાઈન્મેન્ટ પકડી પાડ્યા હતા. જેમાં અલગ અલગ પાર્સલમાંથી કુલ 23 કિલો ગાંજો પકડાયો હતો. જો કે આ ચારમાંથી એક પણ કન્સાઈન્મેન્ટમાં પોલીસ એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાંથી લાખો લોકો – વિદ્યાર્થીઓ વિદેશમાં સ્થાયી થયા છે. જેથી ભારતમાંથી વિદેશમાં અને વિદેશમાંથી ભારતમાં તમામ ચીજ વસ્તુઓની પાર્સલથી આપ-લે શરૂ થઈ છે. જેનો ફ્લો છેલ્લા 10 વર્ષમાં લગભગ 100 ગણો વધી ગયો છે. જેના લાભ લઈને ડ્રગ ડિલરો આવા પાર્સલોની આડમાં ગાંજો તેમજ અન્ય ડ્રગ્સ વિદેશથી ભારત મોકલી રહ્યા છે.