વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ કરવાની છે. પહેલી ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100થી 130 કિલોમીટરની રહેશે. હાલ અલગ અલગ શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી ‘વંદે મેટ્રો’ની પ્રાથમિક ચકાસણી કર્યા પછી ટ્રાયલ હાથ ધરાશે.
12 કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે.