કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવાર 18 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરશે. આ સમારોહ બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે.આ નાગરિકતા પ્રમાણપત્રો એવા વ્યક્તિઓને આપવામાં આવશે કે જેમણે પોતાના દેશમાં સતાવણીને કારણે ભારતમાં આશ્રય માંગ્યો છે.
મુલાકાત દરમિયાન શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે, જે શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર વિકસાવવામાં આવ્યો છે. આ ઓક્સિજન પાર્કમાં અંદાજે 27,200 ચોરસ મીટર વિસ્તારમાં 1,67,000 થી વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો છે.
આ પછી શાહ મકરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન કરશે. લગભગ 11:15 વાગ્યે અમિત શાહ, પ્રહલાદ નગરમાં આયોજિત સમારોહમાં AMCની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરશે. ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધશે અને AMC દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે.