મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જોકે, ટેક્સી ડ્રાઈવર અને પોલીસની બહાદુરીથી તેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના અટલ સેતુ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કેબ ડ્રાઈવરે મહિલાને કૂદતા જ તેને પકડી લીધી. તે પુલ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. મુલુંડની રહેવાસી મહિલાએ કેબ ડ્રાઈવર સંજય યાદવને દરિયામાં ધાર્મિક ચિત્રો વિસર્જન કરવાના બહાને પુલ પર કેબ રોકવા કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમને કાર રોકવા અને મહિલા રેલિંગ ક્રોસ કરી રહી હોવાનો કોલ મળ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર “ન્હાવા શેવા ટ્રાફિક બ્રાન્ચ પેટ્રોલિંગ વાનને ફોન આવ્યો કે શેલઘર ટોલ નાકા તરફ જતા રોડ પર અટલ સેતુ પુલ પર એક વાહન રોકાયું છે. એક મહિલા પુલની રેલિંગ ઓળંગી રહી છે.”
પોલીસને જોઈને મહિલાએ દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરે તેના વાળ પકડીને બચાવી લીધા. ચાર કોન્સ્ટેબલ તેને બચાવવા માટે ઝડપથી રેલિંગ ઓળંગી ગયા. ત્યારબાદ મહિલાને નવી મુંબઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવી. ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અંજુમ બાગવાને જણાવ્યું કે તેના પરિવારે દાવો કર્યો છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે.





