ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને એક વર્ષ થઈ ચુક્યું છે. ત્યારે 22 ઓગસ્ટના રોજ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ચંદ્રની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં ચંદ્રની સપાટીને ખૂબ નજીકથી જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ તસવીરો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરથી લેવામાં આવી છે.
14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રની તેની યાત્રા શરૂ કરી હતી, જે 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સાથે પૂર્ણ થઈ હતી. આ પહેલા માત્ર અમેરિકા, ચીન અને રશિયાએ આવું કર્યું હતું. આ ઇતિહાસ રચનાર ભારત ચોથો દેશ બની ગયો નેશનલ સ્પેસ એજન્સીએ ગુરુવારે લખ્યું, ‘ચંદ્રયાન-3ની લેન્ડિંગ એનિવર્સરી પર, ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલા હજારો ફોટોગ્રાફ્સ રજૂ કરવા જઈ રહ્યું છે.’ સંસ્થાએ કહ્યું, ‘આ તસવીરો વિક્રમ પર લેન્ડર ઇમેજર (LI) અને રોવર ઇમેજર (RI) પરથી લેવામાં આવી છે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ અને ISROના વૈજ્ઞાનિકોની ટીમે તેમના સંશોધનમાં કહ્યું છે કે ચંદ્રયાન-3 મિશનએ ચંદ્રના પ્રારંભિક વિકાસનું રહસ્ય જાહેર કર્યું છે. ટીમે પોતાના સંશોધનમાં કહ્યું કે ચંદ્રયાન-3 મિશનના પ્રજ્ઞાન રોવરથી મળેલી માહિતી અનુસાર ચંદ્રની સપાટી મેગ્માના મહાસાગરથી ઢંકાયેલી હતી. આ વિશ્લેષણ ચંદ્ર પરની માટીના માપને લઈને હતું. આ ડેટા પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ આ ડેટાનું પૃથ્થકરણ કર્યું અને જાણવા મળ્યું કે ચંદ્રની માટી ફેરોન એનોરથોસાઇટથી બનેલી છે, જે એક પ્રકારનો ખડક છે. પ્રજ્ઞાન રોવર પર આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APXS) દ્વારા કરવામાં આવેલા માપનો ઉપયોગ કરીને દક્ષિણ ધ્રુવીય પ્રદેશની નજીક ચંદ્રની માટીની પ્રથમ ઇન-સીટુ પ્રાથમિક વિપુલતાની જાણ કરી છે.