બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર, આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. મધ્યપ્રદેશ સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું અને ગુજરાતની ધરતી ઉપર આવીને વધુ મજબૂત બનતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું જેના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદભવી છે.
હવે આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે. જેથી અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી થવાથી અરબ સાગરમાં આ ડીપ ડિપ્રેશન પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે. જેના કારણે કચ્છમાં ‘અસના’ નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. તેમજ આ દરમિયાન રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
મેઘરાજાએ 216 તાલુકાઓમાં સટાસટી બોલાવી
ગઈકાલે મેઘરાજાએ 220થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. માંડવીમાં સાડા બાર ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ આજે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા હતા. જેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.
પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકાર જાહેર કરશે સહાય પેકેજ
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલવવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે. એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે. સર્વેને આધિન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે. જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે. જમીન ધોવણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે હાઈ લેવલ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમણે અસના વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વાવાઝોડાની આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.