ભાગ્યે જ સર્જાતી સીસ્ટમ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ પર ઉદભવેલા ડીપ-ડીપ્રેશને ચાર-પાંચ દિવસ સુધી મેઘતાંડવ સર્જયુ હતું અને હવે તે અરબી સમુદ્રમાં સરકવા લાગ્યુ છે. જે સમુદ્રમાં વાવાઝોડાનું સ્વરૂપ લેશે.જોકે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નથી કારણ કે સીસ્ટમ પાકિસ્તાન કે ઓમાન તરફ જશે. છતા આંશીક અસર હેઠળ ભારે પવન ફુંકાઈ શકે છે.1891 બાદનાં 103 વર્ષોમાં ઓગસ્ટ મહિનાના અરબી સમુદ્રમાં ત્રણ વખત જ વાવાઝોડા ઉદભવ્યા હતા. છેલ્લે 1976 માં ઓગસ્ટ માસમાં વાવાઝોડુ ઊદભવ્યુ હતું.
હવામાન વિભાગ દ્વારા રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળનાર ડીપ ડીપ્રેશન સીસ્ટમ કચ્છનાં કાંઠે છે અને આજે અરબી સમુદ્રમાં સરકીને વધુ મજબુત બની જવાની શકયતા છે. વાવાઝોડામાં પરિવર્તીત થશે. આસન વાવાઝોડાની દિશા-ગતિ પશ્ર્ચિમ તરફ રહેવાની હોવાથી પાકિસ્તાન તથા ઈરાનનાં દરીયા કિનારા તરફ આગળ વધી શકે છે. જોકે દરીયાઈ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતનાં કાંઠે શનિવાર સુધી 15 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
જમીન પરથી સીસ્ટમ દરીયામાં ઉતરે અને વાવાઝોડામાં પરિવર્તીત થાય તેવો ઘટનાક્રમ દુર્લભ હોય છે અને 48 વર્ષ બાદ આ દુર્લભ વાવાઝોડુ સર્જાયુ છે. કંડલા, મુંદ્રા તથા જખૌનાં બંદરો પર ત્રણ નંબરનું સીગ્નલ ચડાવાયું છે. હવામાન ખાતા દ્વારા એમ કહેવાયું છે કે વાવાઝોડા આસનનો ટે્રક પશ્ચિમી દિશા તરફનો છે અને પાકિસ્તાન કે ઓમાન તરફ આગળ ધપશે કારણ કે ગુજરાતને વાવાઝોડાનો કોઈ સીધો ખતરો નથી છતાં રાજયના દરીયાઈ વિસ્તારોમાં એકાદ દિવસ અસર રહી શકે છે.