મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.