ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું હતું. લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી. તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં કાચાં મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જોકે, બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઇ છે. સંભવિત વાવાઝોડું અરબ સાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધતાં હવે કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી ગઈ છે.