રેડ એલર્ટની આગાહી વચ્ચે વાલિયા તાલુકામાં આભ ફાટ્યું છે. 14 કલાકમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નદી નાળા છલોછલ થયા છે. તો ડહેલી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ગઈકાલે ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું હતું. 14 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. તેમજ નદી-નાળા છલોછલ થયા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે નડિયાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય છે, જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ઓરિસા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું એ હાલમાં પૂર્વ પર સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે એને કારણે વરસાદ રહેશે. ચાર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.