રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. પુતિનની આ મુલાકાત જાપાની સેના પર સોવિયેત-મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠ પર થઈ રહી છે. મંગોલિયા રશિયાનો પડોશી દેશ છે, પુતિન સોમવારે સાંજે મંગોલિયાની રાજધાની ઉલાનબાતાર પહોંચ્યા હતા. પુતિન મંગોલિયા પહોંચતાની સાથે જ તેમની ધરપકડની માંગણીઓ વધવા લાગી છે કારણ કે મંગોલિયા આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતનું સભ્ય છે અને કોર્ટ દ્વારા પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવેલું છે.
રશિયન મીડિયા સ્પુટનિકે અહેવાલ આપ્યો છે કે, મંગોલિયામાં, વ્લાદિમીર પુતિન રશિયા-મંગોલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ વધુ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. આ સાથે વ્લાદિમીર પુતિન ખલખિન-ગોલ યુદ્ધની 85મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિન વર્ષ 2019 પછી પહેલીવાર મંગોલિયાની મુલાકાતે આવ્યા છે.