કોઈ તમને એમ કહે કે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ માત્ર 10 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને સામેવાળી ટીમે 5 બોલમાં ચેઝ કરી લીધો તો શું તમને વિશ્વાસ થાય? નહીં ને, પણ ખરેખર આવું બન્યું છે. T20 ઈન્ટરનેશનલમાં T20 વર્લ્ડ કપની એશિયન ક્વોલિફાયર મેચમાં મંગોલિયન ટીમ સિંગાપોર સામે માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ T-20 ઈન્ટરનેશનલનો સંયુક્ત સૌથી લોએસ્ટ સ્કોર છે. ગયા વર્ષે આઇલ ઑફ મેનની ટીમ પણ આ જ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુરુવારે T-20 વર્લ્ડ કપની એશિયન ક્વોલિફાયર મેચમાં સિંગાપોરે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. સિંગાપોર ટીમે મંગોલિયન ટીમને 10 ઓવરમાં 10 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સિંગાપોર ટીમે 11 રનનો ટાર્ગેટ માત્ર 5 બોલમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. આ મેચ માત્ર 65 બોલ સુધી ચાલી હતી.ભારતીય મૂળના 17 વર્ષના લેગસ્પિનર હર્ષ ભારદ્વાજે 3 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ ઉપરાંત અક્ષય પુરીએ 2, રાહુલ અને રમેશને એક-એક વિકેટ મળી હતી.
મંગોલિયન ટીમ આ વર્ષે ત્રીજી વખત 20થી ઓછા રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આ પહેલાં ટીમ 31 ઑગસ્ટે હોંગકોંગ સામે 17 રન અને મેમાં જાપાન સામે 12 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.