છેલ્લા પખવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે આ વરસાદની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઠેરઠેર વરસાદી પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગની માહિતી મુજબ ડેન્ગ્યુના 688 કેસ નોંધાયા છે અને 3 બાળકીનાં ડેન્ગ્યુના કારણે મોત થયાં છે. જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા હતા અને એક પરિણીતાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે.
વડોદરામાં અત્યાર ડેન્ગ્યુના કુલ 198 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જોકે ત્યાં એકપણ મોત નોંધાયું નથીજ્યારે રાજકોટમાં પણ ડેન્ગ્યુના કુલ 120 જેટલા કેસો સામે આવ્યા છે, એકેય મોત થયું નથી.
અમદાવાદમાં 31 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 688 કેસ
AMCના આરોગ્ય વિભાગની માહિતી મુજબ 31 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 688, સાદા મેલેરિયાના 212, ઝેરી મેલેરિયાના 34 અને ચિકનગુનિયાના 58 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળામાં ટાઈફોઇડના 788, ઝાડા ઉલ્ટીના 751, કમળાના 538 અને કોલેરાના 23 કેસો છે. ડેન્ગ્યુના 9073 જેટલા સીરમ સેમ્પલ લીધા છે. શહેરમાં 7185 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ચેક કરવામાં આવી હતી અને 25180 જેટલી નોટિસ આપી 1.35 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યુ-મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ?
પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ
પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરો
ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરો
બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરો
અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરો
છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરો
ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમિયાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા