ઉત્તરપ્રદેશમાં ફરી એક વખત રેલ્વે નિશાન બની રહી છે અને કાનપુરથી ભીવાની જઇ રહેલી કાલિન્દી એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાના એક પ્રયાસ થયો હતો. જોકે સદનસીબે ટે્રનના પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને મોટી દુર્ઘટના અટકાવી હતી. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં 100 કિ.મી.ની ઝડપે બર્રાજપુર અને બિલ્હોર રેલ્વે માર્ગ વચ્ચેથી પસાર થઇ રહેલી કાલિન્દી એકસપ્રેસના ટ્રેક ઉપર એક એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યું હતું.
તે ટ્રેનના એન્જીન સાથે અથડાતા ધડાકો થયો હતો અને તુર્ત જ ડ્રાયવરે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. ટ્રેક ઉપર એક મોટા થેલામાં વિસ્ફોટક જેવી સામગ્રી હતી અને તેમાં એક બોટલમાં લીકવીડ પણ મળ્યું છે જેના કારણે કોઇ વિસ્ફોટક સર્જીને ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર હોવાનું મનાય છે. રાત્રે 8.25 કલાકે બર્રાજપુર સ્ટેશનથી આ ટ્રેન રવાના થઇ હતી અને તે મુન્ડેરી ક્રોસીંગ પાર કર્યુ પછી તુર્ત જ કોઇ ચીજ ટ્રેનના એન્જીન સાથે ટકરાઇ હતી.
એક ધડાકા જેવો અવાજ થયો હતો. તથા ટ્રેક ઉપર લોઢાની ચીજ સાથે થેલો પણ મળી આવ્યો છે. ટ્રેક ઉપર કેટલા સ્થળોએ આ ચીજો ઢસડાઇ હોય તેવા પણ નિશાન છે. એલપીજી સિલિન્ડર, માચીસ, બોટલ અને અન્ય સળગી ઉઠે તેવા પદાર્થનો થેલો કબ્જે કરાયો હતો. લગભગ 22 મીનીટ સુધી ટ્રેનને અહીં રોકી દેવામાં આવી હતી તેના કારણે લખનૌ-બાન્દ્રા સહિતની ટ્રેનોને માર્ગમાં થંભાવી દેવાઇ હતી.
મોડી રાત્રે રેલવે તરફથી અપાયેલી માહિતી મુજબ ટ્રેનને પાટા પરથી ખેડવવાનું ષડયંત્ર હતું જે કંઇ વિસ્ફોટક જેવા પદાર્થો મળ્યા છે તે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. હજુ હમણા જ કાનપુર પાસે વારાણસીથી અમદાવાદ જઇ રહેલી સાબરમતી એકસપ્રેસ ટ્રેનને પણ ઉથલાવવાની કોશીશ થઇ હતી અને ટ્રેનના તમામ કોચ ડીરેલ થયા હતા પરંતુ તે સમયે ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઇ દુર્ઘટના થઇ ન હતી.