રાજકોટ જીલ્લામાં જસદણ સિવાયની પાંચેય નગરપાલિકામાં ચૂંટણી પછીના પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખ : જામનગરમાં 4 માંથી 3, સુરેન્દ્રનગરમાં 5 માંથી 2 માં મહિલા હશે: દરેક વોર્ડમાં 4 માંથી 1 ઓબીસી ઉમેદવાર રહેશે
ઓબીસી અનામતના મામલે લાંબા વખતથી અટકેલી નગરપાલિકાઓ તથા અમુક જીલ્લા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે ત્યારે રાજય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છની 63 માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ સુકાન મહિલાઓના હાથમાં રહેશે. આજ રીતે દરેક વોર્ડમાં 1-1 ઓબીસી ઉમેદવાર ફરજીયાત હશે. મોરબી તથા પોરબંદરને મહાનગરપાલિકાનો દરજજો આપવાનું જાહેર કરવામાં આવી હોવાથી રોસ્ટર લીસ્ટમાંથી તેને બાકાત રાખવામાં આવી છે.
રાજયની નગરપાલિકાઓમાં લાંબા વખતથી ચૂંટણી અટકેલી હતી.પરીણામે મહિલાઓથી વહીવટદાર શાસન લાગુ હતી હવે અનામત ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે દિવાળી કે વર્ષાંત સુધીમાં ચૂંટણી યોજવાના ચકઓ ગતિમાન થયા છે. રાજય ચુંટણી પંચ તથા રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે સરકાર દ્વારા આગામી પંચ ચૂંટણી (25 વર્ષ) માટે રોસ્ટર પ્રમુખપદ માટે રોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે.
રાજયની 150 નગરપાલિકા માટે રોસ્ટરનું એલાન કરાયું છે તે પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 63 માંથી 41 નગરપાલિકામાં ચૂંટણી પછીના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ મહિલા અનામત રહેશે. જોકે જનરલ-ઓબીસી સહીત જુદી જુદી કેટેગરી તેમાં સામેલ છે. ઓબીસી અનામતનું ચિત્ર સ્પષ્ટ થઈ જ ગયુ છે.જયારે એક વોર્ડમાં એક ઓબીસી ઉમેદવાર ફરજીયાત રહેશે. સામાન્ય રીતે એક વોર્ડમાં ચાર ઉમેદવાર રહેતા હોય છે તેમાં બે મહિલા અને બે પુરૂષ હોય છે.હવે એક ઓબીસી હશે.
સૌરાષ્ટ્ર-કચ્છની 63 માંથી 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષનું સુકાન મહિલાઓનાં હાથમાં રહેવાનું છે. તેમાં ભાવનગર જીલ્લાની તમામ 6 તથા પોરબંદર જીલ્લાની બન્ને નગરપાલીકાનું પ્રમુખપદ મહિલાઓ માટે અનામત રહેશે.
જીલ્લાવાર ગણતરી કરવામાં આવે તો કચ્છમાં સાતમાંથી બે નગરપાલીકામાં પ્રથમ અઢી વર્ષનું સુકાન મહિલાઓનાં હાથમાં રહેશે. રાજકોટ જીલ્લાની 6 માંથી પાંચ નગરપાલીકામાં પ્રથમ અઢી વર્ષનુ પ્રમુખપદ મહિલા પાસે રહેશે.
આજ રીતે સુરેન્દ્રનગરમાં 5 માંથી 2, બોટાદમાં 3 માંથી 2, જુનાગઢ જીલ્લાની 7 માંથી 4, દ્વારકા જીલ્લામાં 7 માંથી 2, જામનગર જીલ્લામાં 4 માંથી 3 મોરબી જીલ્લામાં 3 માંથી 2, ગીર સોમનાથ જીલ્લામાં 5 માંથી 2, અમરેલી જીલ્લામાં 9 માંથી 8, નગરપાલીકામાં પ્રથમ અઢી વર્ષનું સુકાન મહિલાઓના હાથમાં રહેશે.
મોરબી તથા પોરબંદર નગરપાલીકાઓને રોસ્ટરનાં આ લીસ્ટમાંથી બાકાત રાખવામાં આવી છે. કારણ કે આ બન્નેને મહાનગરપાલિકા (કોર્પોરેશન) માં અપગ્રેડ કરવાનું રાજય સરકારે જાહેર કર્યું છે. અલબત કયારે મહાનગરપાલિકાનો દરજજો અપાશે તે સ્પષ્ટ નથી. છતા હાલ તુર્ત રોસ્ટરનાં લીસ્ટમાં સમાવેશ ન કરાયાનું સુચક છે.