ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ માલગાડીને પલટાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. અજમેરના સરધનામાં રેલ્વે ટ્રેક પર સીમેન્ટના બે બ્લોક મુકીને માલગાડીને ડીરેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અજમેરના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રસાર થનારી ડીએફસીસી ટ્રેક પર રવિવાર મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ બે જગ્યાએ 70 કિલો વજનના સીમેન્ટના બ્લોક મુકીને ટ્રેનને ડીરેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રેન સીમેન્ટ બ્લૉકને તોડતા આગળ નીકળી ગઇ હતી અને કોઇ મોટી દૂર્ઘટના થઇ નહતી.
ડીએફસીસીના કર્મચારી રવિ અને વિશ્વજીતે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બન્ને કર્મચારી દ્વારા પોલીસને જણાવ્યું કે આઠ સપ્ટેમ્બરની રાત્રે 10.30 વાગ્યે સૂચના મળી હતી કે રેલ્વે ટ્રેક પર સીમેન્ટનો બ્લોક રાખેલો છે. ઘટનાસ્થળ પર જ્યારે સર્ચ કરવામાં આવ્યું તો પત્થર તૂટીને પડેલો હતો. આ સિવાય થોડા અંતર પર અન્ય એક બ્લોક તૂટેલો મળ્યો હતો. પોલીસે આ ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.