અમદાવાદ મ્યુનિ. સંચાલિત 4 હોસ્પિટલમાં આવેલી મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. કોલકાતાની હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાને પગલે ડોક્ટરોએ વધુ સુરક્ષાની માગણી સાથે હડતાળ પાડી હતી. આ ઉપરાંત ડોક્ટરોએ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને વધારાના સીસીટીવીની માગણી કરવામાં આવી હતી.
ડોક્ટરોની રજૂઆત સ્વીકારી હોસ્પિટલોમાં 79 વધારાના સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવશે. અત્યાર સુધી ચારેય હોસ્પિટલમાં 438 ગાર્ડ છે. શારદાબહેન હોસ્પિટલમાં પોલીસ ટેબલ મૂકવામાં આવશે. મ્યુનિ.ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર મહિલા સિક્યુરિટી ગાર્ડની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત વધારાના 80થી 90 સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવશે. નવા નિયમ મુજબ કોઈ પુરુષ ડોક્ટર કે પુરુષ કર્મચારીએ મહિલા રેસિડન્ટ ડોક્ટરની હોસ્ટેલમાં જવું હોય તો વોર્ડનને સાથે રાખવા પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ પાસે કઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવાની જરૂર છે તેની માહિતી માગવામાં આવી છે. દર્દીના સગાં સાથે ઘર્ષણને પગલે ડોક્ટરો પર થતાં હુમલાના કેસમાં તાજેતરમાં વધારો થયા પછી ડોક્ટરોએ ચોક્કસ પ્રકારના પગલા લેવાની માગણી કરી હતી.