પાટણની સરસ્વતી નદીમાં ગણેશવિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત નિપજ્યા હતા. પાટણન વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાનું મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાય હતા. પરંતુ માતા શિતલબેન નિતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત નિતિશભાઇ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નિતિશભાઇ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, ફરજ પરના ડોકટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિજનોને સોંપવામાં આવી હતી.
બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એક સાથે ચાર લોકોના મોત થતા જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એક સાથે સાથે ચાર ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.