ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે, જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે, ભાદરવા મહિનાની અસર વર્તાઈ રહી છે. હજુ આગામી સાત દિવસ આ તાપમાંથી રાહત મળે તેવી શક્યતાઓ નહીંવત પ્રમાણમાં છે. તેમ છતાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તે માટે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખૂબ જ ઓછા વિસ્તારમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા વળતી શકે છે, તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ ગુજરાતવાસીઓને ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ અનુભવાશે. જેને કારણે ગરમી અને બફરાનો અનુભવ રહેશે. સામાન્ય રીતે જ્યારે આકાશમાંથી વરસાદ પડશે. ત્યારે જમીનથી નજીકનું તાપમાન નીચે જતું રહેતું હોય છે. એટલે કે તે સમયગાળો દરમિયાન ઠંડકનો અહેસાસ થાય છે, પરંતુ જ્યારે વાદળો ખસી જાય છે અને સૂર્યના સીધા કિરણો જમીનને સ્પર્શે છે, ત્યારે જમીનની અંદર રહેલું પાણી વરાળરૂપે બહાર નીકળે છે, તેને કારણે વરસાદના થોડા દિવસો બાદ બફારાનો અનુભવ થાય છે તથા સૂર્યના કિરણોને કારણે સતત ગરમીનો પણ અનુભવ થાય છે, ત્યારે સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના પાછલા પખવાડિયામાં ભાદરવા મહિનાની શરૂઆત થતી હોય છે. એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના પૂર્ણ થવાની હોય છે, તેથી આકરો તાપ અનુભવાય છે.