અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે પર આવેલી વાયએમસીએ કલબના બીજા માળે રૂમમાં નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપવાની ઘટનામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. 13ના ભાજપના સભ્ય હિતેશ્વરસિંહ મોરી સહિત 3 શખસને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવમાં ફરિયાદીને સીબીઆઈની ખોટી ઓળખ આપી લાફા માર્યાનો આરોપ લગાવાયો છે.
અમદાવાદ શહેર હાંસોલ, એરપોર્ટ રોડ, અક્ષરધામ રેસિડન્સી સી-202 માં રહેતાં અને ફિલ્મમેકરનો ધંધો કરતા સુમીતભાઈ ચેતનકુમાર ખાનવાણીએ અમદાવાનાદ આનંદનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.2 સપ્ટેમ્બરે વાયઅેમસીએ કલબના રૂમમાં 3 શખસે સીબીઆઇની ખોટી ઓળખ આપી હતી અને જેમાંથી એક શખસે લાફા પણ ઝીંક્યા હતા. આ શખસો લઇને આવેલી કારનો નંબર તપાસતાં જેનંુ ધનરાજ રાઠોડના નામે રજિસ્ટ્રેશન હતું. જેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં મ્યુચલ ફ્રેન્ડમાં સાથે આવેલા 2 શખસના પણ ફોટા હતા. જેઓની આઇડી વિજયસિંહ પરમાર તથા વિરેન્દ્રસિંહ ચાવડા નામથી હતી. જેમાં વિજયસિંહ પરમારે મને લાફો માર્યો હતો અને વિરેન્દ્રસિંહ ચાવડાએ સીબીઆઈની ખોટી ઓળખ આપી આઇ-કાર્ડ બતાવેલું હતું. પોલીસે ત્રણેય શખસ સામે તપાસ હાથ ધરતાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. 13ના વર્તમાન સદસ્ય હિતેશ્વરસિંહ મોરીની પણ આ કેસમાં ઓળખ થતાં ધરપકડ કરાઇ હતી.
આ ઘટનામાં અમદાવાદ શેલામાં રહેતા અને જમીન લે-વેચનું કરતા ધનરાજસિંહ સામંતસિંહ રાઠોડ, અમદાવાદના બોપલ રહેતા અને ખાનગી નોકરી કરતાં વિરેન્દ્રસિંહ ભરતસિંહ ચાવડાને પણ ઝડપી લેવાયા હતા. આ સમગ્ર ઘટના અંગે આરોપી હિતેશ્વરસિંહ મોરીએ મિત્ર ધનરાજને નોટિસ મળતાં પોલીસ મથકે જવાબ લખાવવા ગયા તો આરોપી તરીકે મને પકડી લીધો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ મથકના પીઆઈ બી.કે.ભારારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ફરિયાદી ત્રણેય આરોપીને ઓળખતા નહોતા. આથી ફરિયાદીએ વિજયસિંહ પરમાર નામ લખાવ્યુ હતુ. પરંતુ ઓળખ પરેડમાં ફરિયાદીએ આરોપી હિતેશ્વરસિંહ મોરીને ઓળખી બતાવ્યા હતા. આથી એમની અટક કરવામાં આવી છે.






