ભાજપ દ્વારા દેશભરમાં વડાપ્રધાનના 74મા જન્મદિવસની ભવ્ય ઊજવણી માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. PM આજે (17 સપ્ટેમ્બર) એટલે કે પોતાના જન્મ દિવસે ભુવનેશ્વર જવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પ્રફુલ્લ પાનસેરિયા, જગદીશ વિશ્વકર્મા, નરહરિ અમીન સહિત તમામ મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો. તેમજ રાજ્ય પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન સાથે જ એરપોર્ટ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન સાથે મુલાકાત બાદ રાજ્ય કક્ષાના તમામ મંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન ભુવનેશ્વર જવા રવાના થયા છે.
મોદી ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ 21થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દરેક મહિલાને કુલ 50,000 રૂપિયા મળશે. દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 10,000 રૂપિયાની રકમ બે હપ્તામાં આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી લગભગ 1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં જીત બાદ ભાજપ સરકાર સુભદ્રા યોજના દ્વારા સમાજની ગરીબ મહિલાઓના સશક્તિકરણ માટે આર્થિક મદદ કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક જન્મદિવસે ભેટરૂપે અર્પણ કર્યું હતું.