ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભયંકર વિસ્ફોટ થયો હતો, જેના કારણે 4 લોકોના મોતનિપજ્યા છે અને 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ વિસ્ફોટનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું હતું.
ફિરોઝાબાદના નૌશેરા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4ના મોત નીપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર નીકાળવા માટે રાહત કામગીરી ઝડપી ચાલી રહી છે. એસએસપી સૌરભ દીક્ષિતે અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને JCB ની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેક્ટરીનો માલિક ફરાર છે અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તે પણ સામે આવ્યું છે.