લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજર (કોમ્યુનિકેશન ડિવાઇસ)માં સિરિયલ બ્લાસ્ટ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટમાં કુલ 11 લોકોનાં મોત થયા છે. 4000 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ઈઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મંગળવારે લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં પેજર સિરિયલ બ્લાસ્ટ થયા હતા. પેજરમાં લગભગ એક કલાક સુધી સિરિયલ બ્લાસ્ટ ચાલુ રહ્યા. જ્યારે કોઈના ખિસ્સામાં પેજર વિસ્ફોટ થયું હતું, તો કોઈના હાથમાં પેજરમાં ધડાકો થયો હતો. બધે સિરિયલ પેજર બ્લાસ્ટ થતાં લોકોની ચીસો સંભળાઈ હતી. લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે પાંચ મહિના પહેલા પેજરમાં વિસ્ફોટક ફીટ કર્યા હતા. આવી સ્થિતિમાં હવે આ સમગ્ર મામલે તાઈવાનની કંપનીની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે.
અરબ મીડિયાના અહેવાલો અનુસાર, હિઝબુલ્લા સાથે જોડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. લેબનીઝ વેબસાઈટ નાહરનેટ મુજબ ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી. લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે પુષ્ટિ કરી કે દેશભરની ઘટનાઓમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક તેમની હોસ્પિટલોમાં મદદ માટે જવા માટે કહેવામાં આવ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહ વિરુદ્ધ મોસાદના ગુપ્ત ઓપરેશનના ભાગરૂપે ઇઝરાયલે આ પેજર્સમાં વિસ્ફોટક ફીટ કર્યા હતા. હિઝબુલ્લાહે Gold Apollo નામની તાઈવાનની કંપનીને લગભગ 3000 પેજરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ આ પેજરો લેબનોન પહોંચે તે પહેલા તેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ પેજર આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતા. એવું લાગે છે કે આ હુમલાનું કાવતરું કેટલાક મહિનાઓ પહેલા જ ઘડવામાં આવ્યું હતું.
દરેક પેજરની બેટરીમાં વિસ્ફોટકો લગાવાયેલા હતા!
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પેજર્સ તાઈવાનની એક કંપનીના AP924 મોડલના હતા. તાઈવાનથી લેબનોન મોકલવામાં આવેલા પેજરના બેચમાં દરેક પેજરમાં વિસ્ફોટકો લગાવાયેલા હતા. આ વિસ્ફોટક પેજરની બેટરીમાં લગાવવામાં આવ્યા હતા.