સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.
પીઆઇએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી કે, આવા પીઆઇ સામે સરકાર પગલાં કેમ લેતી નથી? જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે સૂચના મંગાવી હતી.
ફરિયાદી એડવોકેટે હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. જે જોઇને હાઇકોર્ટે પીઆઇનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઇ ગુના વગર મારવાના? કઇ પણ પૂછ્યા વગર કોઇને લાત કેવી રીતે મારી શકાય? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. કોઇ સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં.