કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસના સંબંધમાં જુનિયર ડૉક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે. ડૉક્ટરોએ બુધવારે બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતને એક ઈમેલ મોકલીને બીજી બેઠકની માગણી કરી હતી.
ડોક્ટરોનું કહેવું છે કે, અમારી માગ માત્ર અડધી પુરી થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવાની માગ પર ડૉક્ટરો અડગ છે. તેઓ હોસ્પિટલોમાં થ્રેટ કલ્ચરને સમાપ્ત કરવાની પણ માગ કરી રહ્યા છે.
જુનિયર ડોક્ટર અને મમતા વચ્ચે 16 સપ્ટેમ્બરે મુલાકાત થઈ હતી. જેમાં મમતાએ તબીબોની 5માંથી 3 માગણીઓ સ્વીકારી હતી. તેમણે મંગળવારે પોલીસ કમિશનર વિનીત ગોયલને પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ મનોજ વર્માને કમિશનર બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, 9 ઓગસ્ટના રોજ, પશ્ચિમ બંગાળ સરકારે તાલા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિજિત મંડલને તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં સસ્પેન્ડ કરી દીધા છે. CBIની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 14 સપ્ટેમ્બરે અભિજીતની ધરપકડ કરી હતી.