સુરતના વરાછામાં વધુ એક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માત્ર 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રમતાં-રમતાં બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીઓ દોડી આવી તેના હાથથી બોટલ લઈ લીધી હતી. જોકે, બાળકીનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને વરાછા ભવાની સર્કલ પાસે વરણી સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિકની એકની એક બે વર્ષની દીકરી સાકેબા હતી. ગત 12 સપ્ટેમ્બરના રોજ સાકેબા ઘરની બહાર રહી હતી. આ દરમિયાન રમતાં-રમતાં રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું.
સકેબા ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેણી પર પડી હતી. જેથી, તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા.
પિતા ખાલિકે જણાવ્યું હતું કે, મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલા ડીઝલ પી લીધુ હતું. અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. છેલ્લા બાર દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.