રાજ્ય સરકારે જન્મ અને મૃત્યુ સમયે નોંધાયેલા નામ તથા બર્થ ડેટમાં ફેરફાર કરવા માટે એક પરિપત્ર જારી કર્યો છે. આ નિર્ણય બાદ જન્મ-મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો સરળ બનશે. તેમજ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ તથા જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજીસ્ટ્રારે આ બાબતોની નોંધ લેવી પડશે.
ગુજરાત સરકારે જન્મ-મરણ અંગે સેન્ટ્રલ ગવર્મેન્ટની એડવાઈઝરી હતી એ એડોપ્ટ કરી હતી. પરંતુ એમાં ઘણા પેટા નિયમ ઉમેરવાના બાકી હતા. તેમજ કેટલીક બાબતો ઉમેરવાની રહી ગઈ હોવાની ધ્યાને આવી હતી. તેમજ જન્મ અને મરણ અંગે બીજી નાની-મોટી એડવાઈઝરી ભેગી કરીને આ પરિપત્ર બનાવ્યો છે જેથી લોકોને થતી નાની-મોટી તકલીફ દૂર થાય અને ઝડપથી નિરાકરણ આવી શકે.
નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ, છેલ્લું નામ, અટક કે જન્મ તારીખ અથવા કોઈ એક કે તેમાંની કેટલીક વિગતો બદલવાની માંગ કરી છે કે નહીં તે બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. સંબંધિત રજિસ્ટ્રારે અરજી સાથે આપેલા ફોટો આઈડી કે અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે.
અરજદારે આપેલા પુરાવાની ખરાઇ કર્યા બાદ, રજીસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો નામમાં ફેરફારના સંદર્ભે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધની કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મનાં પ્રમાણપત્રમાં બન્ને નામો લખવાના રહેશે. જો અરજદારને ‘ઉર્ફે’ શબ્દનો સ્વીકાર ન હોય તો, અરજદાર દ્વારા આપવામાં આવેલા પુરાવાની ફરી ખરાઇ કર્યા બાદ રજીસ્ટ્રારે કરવાના થતા ફેરફાર જન્મ રજીસ્ટરના જન્મ નોંધણીની નોંધની કોલમમાં બન્ને નામનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે.
જાણી જોઇને કરેલી ભૂલ સુધારવા માટે પૂરાવાની ખાતરી કરવી પડશે
રજીસ્ટરમાંની જન્મ અથવા મરણની કોઇ નોંધ, તેના સ્વરૂપમાં કે મહત્વની બાબતમાં ભૂલ છે અથવા તે કપટપૂર્વક કે અયોગ્ય રીતે કરવામાં આવેલી છે, તો અરજદાર દ્વારા પુરા પાડવામાં આવેલા પુરાવાઓની ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજુરી આપવાની રહેશે નહીં. જ્યારે રજીસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઇ કારકુની ભૂલ થયેલ હોય તો. સંબંધિત રજિસ્ટ્રારે આ ભુલને કાયદા અનુસાર સુધારવાની રહેશે.રજીસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકૂની ભૂલ હોવાના કારણે જ સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અરજીને નકારી શકશે નહીં.