સુરતીઓએ સેન્ચ્યુરી અને હાફ સેન્ચ્યુરી કરી છે. જોકે, આ ક્રિકેટના મેદાનમાં નહીં, પરંતુ રોડ પર બેફામ વાહનો હંકારી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ઈ-ચલણ મેળવવામાં કરી છે. આવું પરાક્રમ એક બે સુરતીઓએ નહીં પરંતુ 12631 વાહનચાલકોએ કર્યું છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ દ્વારા 50 અને 100થી વધુ વખત ઈ-ચલણ મોકલવામાં આવ્યા છે, પરંતુ સમાધાન રાશિ ભરી નથી. ત્યારે આ રીઢા વાહનચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ટ્રાફિક પોલીસ RTOને લાઇસન્સ રદ કરવા રિપોર્ટ મોકલશે.
સામાન્ય રીતે જ્યારે કોઈના ઘરે ટ્રાફિક નિયમ ભંગનું એક ઈ-ચલણ આવે તો તાત્કાલિક તેને ભરવા માટે વાહન ચાલક તજવીજ હાથ ધરે છે. પરંતુ સુરતમાં 5, 10 કે 15 નહીં, પરંતુ 50થી લઈ 100થી વધુ ઈ-ચલણ મેળવીને 12631 જેટલા મહારથીઓ આરામથી રોડ પર વાહન ચલાવી રહ્યા છે. નો-પાર્કિંગમાં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને મોબાઈલ પર વાતો કરનાર આ તમામ વાહનચાલકો છે, જેઓએ સતત ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી છે. એક બાદ એક 50થી વધુ અને 100થી વધુ ઈ-ચલણ આવ્યા બાદ પણ તેઓને કોઈ ફેર ન પડતાં આખરે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. ટૂંક સમયમાં ટ્રાફિક વિભાગ સુરત શહેરના 12631 મહારથીઓ વિરુદ્ધ આરટીઓમાં લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલવામાં આવશે.
સુરત શહેરમાં પાંચથી વધુ ઈ-ચલણ મેળવનાર વાહન ચાલકોની સંખ્યા 15,000થી પણ વધુ છે. આ અંગેની માહિતી સુરત શહેર ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાનાણીએ આપી છે. સુરત શહેરમાં અકસ્માતની ઘટના પર બ્રેક લાગે અને સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા ઊભી થાય આ માટે ટ્રાફિક વિભાગ દ્વારા ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડેટાબેઝમાં તમામ લોકોના નામ છે, જેમને પાંચથી વધુ વાર ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરવા બદલ ઈ-ચલણ મોકલવામાં આવ્યા છે. હવે આ લોકો ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે.