કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પછી કાયદા અને સંસદીય કાર્ય પ્રધાન એચ કે પાટિલે જણાવ્યું છે કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ કર્ણાટક રાજ્યમાં ગુનાહિત કેસોની તપાસ માટે સીબીઆઇને સામાન્ય સંમતિ આપતું નોટિફિકેશન પરત લઇ લેવામાં આવ્યું છે.
આ નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે કારણકે એક બાબત સ્પષ્ટ છે કે સીબીઆઇ અથવા કેન્દ્ર સરકાર પોતાના સાધનોનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી. તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું. સામાન્ય સંમતિ પરત લઇ લેવામાં આવી છે. એચ કે પાટિલે જણાવ્યું હતું કે અમે સીબીઆઇને આપેલ સંમતિ પરત લઇ રહ્યાં છીએ. અમે રાજ્યમાં સીબીઆઇના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છીએ.
પત્રકારોએ તેમને પૂછ્યું કે, શું એમયુડીએ કેસમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અન્ય પત્રકારે પૂછ્યું કે, શું ભાજપ દ્વારા કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ ફંડમાં હેરાફેરીના કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે આ કેસ સાથે આ બાબતને કોઇ લેવા દેવા નથી કારણકે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.