વડોદરામાં ગત રોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વડોદરા શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી નદીનાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરીજનોને ફરી વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે. લોકોએ પોતાની કાર સહિતના વાહનો વરસાદને કારણે શહેરના પુલો પર પાર્ક કરી દીધા છે. કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પાણી ભરાયેલા છે. ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે.
હાલ આજવા ડેમની સપાટી ૨૧૩ ફૂટ છે તથા વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. મોડી રાત્રે નદી 24 ફૂટને પાર પહોચી છે. તથા વધી રહી હોવાથી આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું નથી. નદીમાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. NDRFની બે ટીમો તંત્રે તૈનાત કરી છે. ફાયર વિભાગ, પાલિકા અને પોલીસ તંત્ર ખડેપગે હાજર છે.
વડોદરા શહેરમાં ગત રોજ ભારે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે શહેરના ચારેય ઝોનના જુદા-જુદા વિસ્તારોમાંથી સાંજે 7 કલાક સુધીમાં કુલ 200થી વધુ અસરગ્રસ્તોને જુદા-જુદા આશ્રય સ્થળો પર સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.હાલ કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની પણ સૂચના અપાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા પોલીસ વિભાગ દ્વારા ‘X’ પર શહેરીજનોને એલર્ટ કર્યા છે.