કોલકાતાની આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરનો રેપ- હત્યાના કેસ મામલે જુનિયર ડૉક્ટરો બુધવારે ફરી રેલી યોજી હતી. કોલકાતાના કોલેજ સ્ક્વેરથી ધર્મતલા સુધી આ રેલી કાઢવામાં આવી હતી. જુનિયર ડોક્ટરોએ 1 ઓક્ટોબરથી ફરી હડતાળ શરૂ કરી છે. રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે કામકાજ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. ડોક્ટરોની માંગ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે.આ પહેલા જુનિયર ડોક્ટરોએ 10 ઓગસ્ટથી 42 દિવસ સુધી વિરોધ ચાલુ રાખ્યો હતો. 21 સપ્ટેમ્બરે સરકારી હોસ્પિટલોમાં કામ પર પરત ફર્યા હતા.
સોમવારે સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોની સુરક્ષામાં બેદરકારી બદલ મમતા સરકારની ઝાટકણી કાઢી હતી અને આદેશ આપ્યો હતો કે 15 દિવસમાં તમામ હોસ્પિટલોમાં સીસીટીવી લગાવવામાં આવે.9 ઓગસ્ટના રોજ, આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં હડતાળ પાડી હતી.હડતાળની જાહેરાત કરતા, વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોમાંના એક અનિકેત મહતોએ કહ્યું- અમારી સુરક્ષા માંગણીઓ પૂરી કરવા અંગે મમતા સરકારનું વલણ સકારાત્મક જણાતું નથી. આજે 52મો દિવસ છે. અમે હજુ પણ હુમલા હેઠળ છીએ. સીએમ મમતાના વચનો પૂરા કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગતું નથી. અમારી પાસે આજથી કામ સંપૂર્ણપણે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કામ બંધ રહેશે.