છત્તીસગઢના પાટનગર રાયપુરથી 250 કિલોમીટર દૂર સક્તિ જિલ્લાનું છપોરા ગામમાં એક દિવસ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખા ખૂલી. નવીનક્કોર ઑફિસ, નવુંનક્કોર ફર્નિચર અને નવાસવા કર્મચારીઓ. ગામલોકો ખુશ થઈ ગયાઆખરે એક બૅન્ક ખૂલી. લોકોએ ખાતાં ખોલાવવા અને રૂપિયાની લેવડદેવડ માટે આવવાનું પણ શરૂ કરી દીધું. બ્રાન્ચ મૅનેજર, માર્કેટિંગ ઑફિસર્સ, કૅશિયર અને કમ્પ્યુટર ઓપરેટરો મળીને 6 કર્મચારી પણ ખુશ હતા. બૅન્ક ખૂલ્યાને 10 દિવસ થયા હશે ત્યાં પરપોટો ફૂટી ગયો અને ખબર પડી કે બ્રાન્ચ તો નકલી છે! ગામલોકો કે ત્યાં નોકરી મેળવનારા લોકો 10 દિવસ સુધી અંધારામાં રહ્યા.
બૅન્કની નકલી શાખા જે રીતે ફિલ્મી સ્ટોરીની જેમ ખૂલી હતી, તેવા જ નાટકીય વળાંક સાથે બંધ થઈ હતી. છપોરા પાસે આવેલા ડબરા ગામમાં એસબીઆઇની શાખા હતી. તેના મૅનેજર રૂટીન વિઝિટ માટે નીકળ્યા ત્યારે તેમણે છપોરામાં બ્રાન્ચ ખૂલેલી જોઈ. બૅન્કમાં આંટો મારી આવ્યા અને થોડી પૂછપરછ કરી આવ્યા એમાં લાગ્યું કે, કુછ તો ગરબડ હૈ…’ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને બૅન્કના સ્ટાફ અને પોલીસને જાણ કરી. નકલી શાખા સામે છપોરા ગામમાંથી પણ શંકાનો કીડો સળવળ્યો. ગામના અજય કુમાર અગ્રવાલે એસબીઆઇના કિયોસ્ક માટે અરજી કરેલી હતી એવામાં એમને ખબર પડી કે એસબીઆઇની શાખા ખૂલી ગઈ છે! અગ્રવાલને શંકા ગઈ એટલે તેમણે બૅન્કમાં જઈને પૂછ્યું તો કર્મચારીઓ સંતોષ થાય તેવો જવાબ ન આપી શક્યા. જોયું તો સાઇનબોર્ડ ઉપર પણ બ્રાન્ચ કોડ પણ નહોતો.
શંકા અને એક ફરિયાદ મળી એટલે પોલીસ અને અસલી બૅન્કનો સ્ટાફ નકલી બ્રાન્ચમાં પહોંચ્યો. પૂછપરછ કરી. કર્મચારીઓના નોકરીના દસ્તાવેજો ચકાસ્યા તો એમાં રીજનલ મૅનેજરના સહીસિક્કા પણ હતા. વરિષ્ઠ પોલીસ અધિકારી રાજેશ પટેલે કહ્યું કે રેખા સાહુ, મંદિર દાસ અને પંકજ સહિત કુલ 4 એ આ કૌભાંડ કર્યું છે. આ ટોળકીએ બૅન્કમાં નોકરી અપાવવાના બહાને બેરોજગાર લોકોને તાલીમ પણ આપી હતી અને 2થી 6 લાખ રૂપિયા પણ લીધા હતા. ગામના જ તોષ ચન્દ્રની ભાડાની દુકાનમાં શાખા ખોલી હતી અને મહિને 7000 ભાડું આપવાનું પણ નક્કી કર્યું હતું. જ્યોતિ યાદવ નામની યુવતીએ પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા પછી બાયોમેટ્રિક્સ પણ કર્યું હતું અને મહિને 30 હજારનો પગાર ચૂકવાશે, તેમ કહેવાયું હતું. બીજી મહિલા સંગીતા કંવર પાસે ટોળકીએ 5 લાખ માગ્યા હતા પણ નહોતા એટલે છેલ્લે 2.5 લાખ રૂપિયા નક્કી કર્યા અને તેને પણ 30થી 35 હજારનો પગાર આપવાનો વાયદો કરાયો હતો.