લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલે મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલ હુમલા દરમિયાન હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, આ અંગે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ અથવા લેબનોનમાં હિજબુલ્લા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાશિમ સફીદ્દીનને તેમના મૃત્યુ પછી હસન નસરુલ્લાહના સંભવિત અનુગામી માનવામાં આવે છે.
હિજબુલ્લાના વડા હસન નસરાલ્લાહને ઠાર કર્યા પછી ઇઝરાયેલે હાશિમ સફીદ્દીનને નિશાન બનાવ્યો હતો. જેને તેના સંભવિત અનુગામી માનવામાં આવતો હતો. લેબનીઝ અહેવાલોને ટાંકીને ઈઝરાયેલી મીડિયાએ મોટો દાવો કર્યો છે કે IDFએ બેરૂતના દહેહ ઉપનગરમાં હાશિમ સફીદ્દીનને ઠાર માર્યો છે.
ત્રણ ઇઝરાયેલી અધિકારીઓએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે એર સ્ટ્રાઇકમાં સફિદ્દીન સહિત મુખ્ય હિજબુલ્લા નેતાઓની બેઠકને નિશાન બનાવવામાં આવી હતી. જો કે, આ અંગે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) અથવા લેબનોનમાં હિજબુલ્લા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. IDF એ બેરુત સહિત દક્ષિણ લેબનોનના વિસ્તારો પર કથિત રીતે હુમલો કર્યો હતો. બેરૂતમાં સંખ્યાબંધ વિસ્ફોટ થયા હતા, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે.
હાશિમ પોતાને પયંગબર મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2017માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો. ઈરાકના નજફ અને ઈરાનના ક્યુમના ધાર્મિક કેન્દ્રોમાં શિક્ષણ મેળવનાર સફીદ્દીન 1994માં લેબનોન પાછો ફર્યો અને ઝડપથી હિજબુલ્લાહની ટોચની નેતાગીરીમાં પહોંચી ગયો હતો. 1995માં,તે સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા મજલિસ અલ-શુરામાં જોડાયો હતો.