રાજ્ય સરકાર દ્વારા બુધવારના બદલે તાત્કાલિક ધોરણે રવિવારે કેબિનેટની બેઠક બોલાવાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હાલમાં અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે ઓચિંતાની કેબિનેટ બેઠક બુધવારના બદલે રવિવારે બોલાવાતા રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે.
પીએમ મોદીના ગયા બાદ અમિત શાહના ગુજરાત પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રવિવારે જ બેઠક બોલાવાતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે! શું રવિવારે કોઇ મોટી જાહેરાત થશે તેને લઇને અનેક ચર્ચાઓ થઈ રહી છે.
રાજકીય નિષ્ણાંતોના મતે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠકમાં શું શું નિર્ણયો લેવાઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં જે મંત્રીઓ કામગીરીમાં નિષ્ફળ હોય તેમની છુટ્ટીને લઇને પણ નિર્ણય લેવાઈ શકે છે. અઢી વર્ષથી વધુનો સમયગાળો થઈ ગયો હોઈ નવા મંત્રીઓનો ઉમેરાઇ શકે છે, એટલે કે વિસ્તરણ થઇ શકે છે. ઇકો સેન્સેટીવ ઝોનને લઇને ચર્ચા થઇ શકે છે, તેને ઘટાડો કરવા કે હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી શકાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ગાયને પ્રદેશની માતા તરીકે જાહેર કરવા કોઇ નિર્ણય કરી શકાય છે. આ સિવાય કોમન સિવિલ કોડને લઇને કોઇ નિર્ણય થઇ શકે છે. વક્ફ બોર્ડને લઇને પણ ચર્ચા થવાની સંભાવના છે. હાલમા સરકારી જમીનો ઉપર જુના માળખાના ડીમોલિશનને લઇને પણ ચર્ચા થઇ શકે છે. બોર્ડ નિગમને લઇ પણ ચર્ચાઓ થઇ શકે છે. રાજ્યમાં કાયદા વ્યવસ્થા, અથવા કોઇ વ્યક્તિ ધાર્મિક ઉત્સવો ઉપર પથ્થર ફેકે તો તેના માટે સજાના અલગ પ્રાવધાન કરાવી શકાય છે. જણાવી દઈએ કે બુધવારના બદલે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને પણ હાલ કોઇ અજેન્ડા આપ્યો નથી. કેબીનેટ મંત્રીઓને પણ માત્ર રવિવારે હાજર રહેવા સુચના અપાઇ છે. જો કેબિનેટ વિસ્તરણ ન થાય તો શું થઇ શકે છે તેને લઇને રાજકારણમાં ચર્ચાઓ થવા લાગી છે.