કેટલાક માનસિક વિકૃત શિક્ષકો પોતાના જ બાળકો સમાન વિદ્યાર્થિનીઓ સાથે પોતાની વાસનાને શાંત કરવાનું સાધન બનાવી દેતા હોય છે. ગુરુના સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના સુરત જિલ્લામાં સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. નરેણ આશ્રમ શાળામાં ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિનીઓની આચાર્યે છેડતી કરી હતી. આ કેસમાં આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે. જેમાંથી 80 વિદ્યાર્થિનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે ચાર વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળાના ફરજ બજાવતો હતો. છેલ્લા એક વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો. જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે.
પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક જે બાળકીઓએ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થિનીઓના પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે વિદ્યાર્થીઓનીઓના મેડિકલ પરીક્ષણ પણ કરાવવાનું ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધીમાં છ જેટલી વિદ્યાર્થિનીઓના મેડિકલ પરીક્ષણ થયા છે.