વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલભેગા કરી દીધા. અંધારી રાત્રે થયેલા દુષ્કર્મના કેસને ઉકેલવા માટે વિવિધ કક્ષાના 65થી પણ વધુ પોલીસકર્મીઓ કામે લાગ્યા હતા.
ACP રાઠોડે જણાવ્યું, આ બનાવ વડોદરા ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં બન્યો હતો. એટલે શરૂઆતના તબક્કે વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરતી હતી. પછી અમને ઉપરી અધિકારની સૂચના મળી કે તમે તપાસ કરો. ગ્રામ્ય પોલીસ પાસે ઓછા સંસાધનો હોય, ઓછા અધિકારીઓ હોય. ક્રાઇમ બ્રાંચ પાસે પૂરતી ટીમ હોય અને ટેક્નોલોજી પણ સારી હોવાથી કેસ ઝડપી ઉકેલી શકાય. વડોદરા ક્રાઈમ બ્રાંચે કુલ આઠ ટીમ બનાવી હતી. જેમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, 55 પોલીસકર્મી મળીને કુલ 65 લોકો સામેલ હતા. ACP તરીકે હું સુપરવિઝન કરતો હતો.
અમે પીડિતાની માતાનું નિવેદન લીધું. તેમણે કહ્યું હતું, રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મેં મારી છોકરીના નંબર પર ફોન કર્યો હતો. એ વખતે મોબાઇલ આરોપી પાસે હશે. એટલે આરોપીએ એક વખત ફોન ઉપાડીને લગભગ ત્રણેક સેકન્ડમાં કટ કરી દીધો. બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ પણ આવતો હતો.” પીડિતાના માતાએ અમને આ વિગત જણાવી. બીજું બાજુ, જ્યાં બનાવ બન્યો હતો એ જગ્યા પરથી અમને ચશ્મા મળ્યા હતા. જેની અંદાજિત કિંમત 50 રૂપિયા હોય એમ લાગતું હતું. એટલે આ કોઈ મજુર માણસો હશે એવું અમે અનુમાન લગાવ્યું હતું.
ત્રીજી કડી આરોપીઓના દેખાવ અને તેમના વ્હીકલને લગતી મળી હતી. પીડિતાએ કહ્યું હતું કે આરોપીએ કાનમાં કડી પહેરી છે. કદ-કાઠી વિશે પણ જાણકારી આપી હતી. આવું જ વર્ણન પીડિતાના મિત્ર પાસેથી પણ પોલીસે જાણ્યું હતું. પીડિતા અમને એવું કહ્યું હતું કે આ બનાવ 11:30 વાગ્યાની આસપાસના સમયગાળામાં બન્યો હતો. જ્યારે પીડિતાની માતાએ પોલીસને જ્યાં જાણકારી આપી હતી એ પ્રમાણે 12:30 વાગ્યે તેમણે દીકરીને ફોન કર્યો હતો, જે આરોપીએ ઉપાડ્યો હતો. મતલબ કે કોઈનો ફોન મળ્યો હોય અથવા આરોપીએ પોતે જ ફોન ઉપાડ્યો હોય આ વાત કન્ફર્મ કરવાની હતી.
પીડિતાનો ફોન કયા વિસ્તારમાંથી રિસિવ કરવામાં આવ્યો હતો એ લોકેશન શોધી લાવ્યા. આ પછી ઘટનાસ્થળની આસપાસ એક્ટિવ હોય એવા શંકાસ્પદ નંબરના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) કઢાવ્યા. એમાંથી અલગ-અલગ પ્રકારે તપાસ કરીને કેટલાક નંબર તારવ્યા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં આવેલ લગભગ 1100થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. એમાંથી પણ કેટલીક માહિતી મેળવીને વેરિફાઇ કરી. આ દરમિયાન અમને એક વ્યક્તિ પર શંકા ગઈ. જેની ગતિવિધિ ટ્રેસ કરતા આ વ્યક્તિનું લોકેશન વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ એકતાનગરનું હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસ ટીમને જ્યારે આ જાણકારી મળી ત્યારે રાત પડી ગઈ હતી. પોલીસ રાત્રે એક વાગ્યાની આસપાસ એકતાનગરમાં આરોપીના ઘરે પહોંચી હતી. પોલીસે દરવાજો ખટખટાવ્યો તો મોટી ઉંમરના બેન બહાર આવ્યા. જે આરોપીના માતા હતા. ટીમે તેમને પૂછ્યું કે મુન્ના બંજારા ક્યાં છે? તેની માતાએ કહ્યું, દીકરો તો સાસરીમાં ગયો છે. પરંતુ પોલીસ પાસે જે ટેક્નિકલ પૂરાવા હતા એ પ્રમાણે આરોપીનું લોકેશન એકતાનગરનું જ આવતું હતું. એટલે આજુ-બાજુના ઘરોમાં અમે તપાસ કરી. મુન્ના તેના ઘરથી બે-ત્રણ મકાન દૂર સૂતો હતો. અમે તેને ઊંઘમાંથી ઉઠાડ્યો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, થોડી ઝપાઝપી થઈ પરંતુ ઝડપાઈ ગયો.