દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’પર પોસ્ટ શેર કરીને લખ્યું, “શ્રી રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોની યાદોથી મારું મન ભરાઈ ગયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે અલગ-અલગ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ અત્યંત સમૃદ્ધ કરનારા લાગે છે. હું દિલ્હી આવ્યો ત્યારે પણ આ વાતચીત ચાલુ જ હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”
મોદીએ લખ્યું, “રતન ટાટાજીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન અને બીજાને મદદ કરવાનો તેમનો જુસ્સો. તેઓ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કાર્યોને આગળ વધારવામાં મોખરે હતા. રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું”