નવી દિલ્હીમાં રમાયેલી બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 135 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 34 બોલમાં 74 રન બનાવ્યા, તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. રેડ્ડીને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. વરુણ ચક્રવર્તીએ પણ 2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. બીજી મેચ જીતીને, ભારતે ત્રણ T-20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
221 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 135 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. પરવેઝ હસન ઈમોને 16 રન, મેહદી હસન મિરાજે 16 રન, લિટન દાસે 14 રન અને નઝમુલ હુસૈન શાંતોએ 11 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ 10થી વધુ રનના આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મયંક યાદવ, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.






