ગાંધીનગરના રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે આજે વરદાયીની માતાજીની પલ્લી ભરાશે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. વર્ષો જુની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવાશે. આ વર્ષે પલ્લી પર 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક થવાનો અંદાજ છે. પલ્લીમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે.
ગાંધીનગરના રુપાલમાં વર્ષોની પરંપરા મુજબ આજે રાત્રે નોમના દિવસે વરદાયીની માતાજીની પલ્લી નિકળશે. પ્રથમ નોરતે મંદિર ખાતે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરેથી પાંડવોએ પલ્લીની પ્રથા શરૂ કરી હતી. ત્યારથી પરંપરાગત રીતે દર વર્ષે નવરાત્રિમાં નોમની રાત્રે પલ્લી નીકળે છે. જેમાં હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.
ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ તેમના પિતાની આજ્ઞા મુજબ 14 વર્ષના વનવાસે નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી ભાઈ લક્ષ્મણ તથા સીતામાતા સાથે શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન રામને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે એ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો