પશ્ચિમ બંગાળના મેટિયાબ્રુઝ વિસ્તારના KMC વોર્ડ નંબર 133માં દુર્ગા પૂજા દરમિયાન વિવાદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ ભાજપે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. ભાજપએ પોસ્ટ શેર કરતા લખ્યું કે, પશ્ચિમ બંગાળના મેટિયાબ્રુઝના KMC વોર્ડ નંબર 133માં બંગાળી હિંદુઓ દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા હતા, જ્યાં વિચલિત દ્રશ્યો સામે આવ્યા છે.
સવારે, જ્યારે લોકો દુર્ગા પૂજા દરમિયાન ઢાક અને શંખ ફૂંકતા હતા, ત્યારે આનાથી એક વર્ગ નારાજ થયો હતો. લગભગ 50-60 લોકોનું ટોળું પંડાલમાં ઘૂસી ગયું અને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો ઉત્સવ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો તેઓ મા દુર્ગાની મૂર્તિનો નાશ કરી દેશે. ભાજપએ આગળ લખ્યું કે પંડાલમાં પહોંચેલી ભીડે કહ્યું કે જ્યારે અઝાન ચાલી રહી હોય ત્યારે મંત્રો અને હિંદુ ધાર્મિક વિધિઓ કરી શકાતી નથી. ઘૂસણખોરોમાંથી કોઈને બંગાળી બોલતા આવડતું નથી. આ ઘટના બંગાળમાં એક અવ્યવસ્થિત વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેના જેવું જ છે, જ્યાં કેટલાક ઉર્દૂ-ભાષી જૂથો બંગાળી સંસ્કૃતિ અને પરંપરાઓને નબળી પાડી રહ્યા છે. આ અંગે ‘ન્યૂ બેંગાલ સ્પોર્ટિંગ ક્લબ’ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બંગાળ ભાજપે પણ આ ફરિયાદનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા પૂજા પંડાલમાં કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે સમગ્ર પૂજા પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના જૂના ઢાકાના તાતીબજારમાં બની હતી. બદમાશોએ અહીં સુશોભિત દુર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી.
પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ જોરદાર ધડાકો પણ સંભળાયો હતો. ઘટનાને અંજામ આપી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વોઈસ ઓફ બાંગ્લાદેશ હિન્દુ નામના એક્સ એકાઉન્ટ પર આ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જતો બતાવવામાં આવ્યો છે. શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટ તાતી બજારના પૂજા મંડપમાં કરવામાં આવ્યો હતો.