લેબનનના હિઝબુલ્લા સંગઠને રવિવારે રાત્રે ઇઝરાયલના ગોલાની મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર, આ હુમલામાં 4 સૈનિકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા 58 સૈનિકો ઘાયલ થયા છે. જેમાંથી 7 ગંભીર રીતે ઘાયલ છે.આ હુમલો રાજધાની તેલ અવીવથી 40 માઈલ દૂર હાઈફાના બિન્યામિના ટાઉનમાં થયો હતો. ઈઝરાયલે કહ્યું છે કે અમે માર્યા ગયેલા સૈનિકોના પરિવાર સાથે છીએ. અમે નથી ઈચ્છતા કે આવા પ્રસંગે કોઈ અફવા ફેલાવે અને ઘાયલોના નામ જાહેર કરે.
ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. કોઈપણ ડ્રોન કોઈપણ વોર્નિંગ વિના ઈઝરાયલની હવાઈ ક્ષેત્રમાં કેવી રીતે આવી શકે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અમારે વધુ સારી સુરક્ષા કરવી જોઈતી હતી. હિઝબુલ્લાએ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને કહ્યું કે તેમણે IDF ટ્રેનિંગ બેઝ પર ડ્રોનનો વરસાદ કર્યો. હિઝબુલ્લાએ કહ્યું કે તેમણે તે જગ્યાએ વિસ્ફોટ કર્યા જ્યાં ઇઝરાયલી સૈનિકો હાજર હતા. તેઓ લેબનન પર હુમલાની તૈયારી માટે યોજના બનાવી રહ્યા હતા.
બીજી તરફ ઈઝરાયલે પણ સોમવારે સવારે સેન્ટ્રલ ગાઝાની એક શાળા પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 લોકોનાં મોત થયા છે. તે જ સમયે લગભગ 80 ઘાયલ થયા છે. ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ઈઝરાયલ હુમલામાં 42 હજારથી વધુ લોકોનાં મોત થયા છે.






