પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓડિશાને જળ સંરક્ષણની બાબતે વર્ષ 2023 માટેનો સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવશે. ઉત્તરપ્રદેશે જળજીવન મિશન અંતર્ગત રાજ્યના 72.78% ગામડાંઓમાં નળથી જળ પહોંચાડવા અને આશરે 15 હજાર અમૃત સરોવર વિકસિત કરવાની ઉપલબ્ધિ માટે બીજું સ્થાન મેળવ્યું છે જ્યારે, ત્રીજા સ્થાને ગુજરાત અને પુડ્ડુચેરીને સંયુક્ત રૂપે પુરસ્કાર આપવામાં આવશે.
ગુજરાતનાં બધાં 25 લાખ ઘરોમાં નળથી જળ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપનની દ્રષ્ટિએ દેશના 5 ઝોનમાં શ્રેષ્ઠ જિલ્લાઓમાં પૂર્વીય ઝોનમાંથી ઓડિશાના બાલાંગીર, પશ્ચિમ ઝોનમાંથી મધ્યપ્રદેશનું ઈન્દોર, ઉત્તર-પૂર્વમાંથી ત્રિપુરાનું ધલાઈ, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ અને ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાની દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાંથી પસંદગી કરવામાં આવી છે. 22 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દિલ્હીમાં પુરસ્કારો આપશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓડિશામાં 53 હજાર જળાશયો અને વરસાદી પાણીના સંગ્રહ માટેના માળખાં ઊભાં કરવામાં આવ્યાં હતાં. તેમાં 10,800 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર્સ વિકસાવવા, 68,700 વોટરશેડ અને 21 હજાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ પૂર્ણ કરવા જેવી સિદ્ધિઓનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં 11,000 પરંપરાગત જળાશયોને પુનઃજીવિત કરવામાં આવ્યાં છે.
શ્રેષ્ઠ મ્યુનિસિપલ બોડી માટેનું પ્રથમ ઇનામ ગુજરાતના સુરતને, બીજું ઇનામ ઓડિશાના પુરીને અને ત્રીજું ઇનામ મહારાષ્ટ્રના પૂણેને મળશે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાં પ્રથમ એવોર્ડ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના પુલમપરા ગામને આપવામાં આવશે. બીજો એવોર્ડ છત્તીસગઢના કાંકેરના મસુલપાની ગામને આપવામાં આવશે. જળવ્યવસ્થાપન માટેની શ્રેષ્ઠ શાળા માટેનું પ્રથમ ઇનામ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, સિકરને રાજસ્થાનને અને બીજું ઇનામ સરકારી સર્વોદય કન્યા વિદ્યાલય દિલ્હીને અપાશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં, પ્રથમ પુરસ્કાર કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, રાજસ્થાનના ઝુંઝુનુમાં બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને તિરુપતિ આઈઆઈટીને વિશેષ ઉલ્લેખ એવોર્ડ આપવામાં આવશે.