ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ તથા ભટ્ટનાગર એવોર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રોય એવોર્ડ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવોર્ડ સહિતના બહુમાનોથી સન્માનિત અને જેમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ભીષ્મ પિતામહ તરીકે ઉપમા મળી છે તેવા વૈજ્ઞાનિક પ્રો. સુખદેવનું ૧૦૧ વર્ષની વયે નિધન થયું છે. પ્રો.સુખદેવએ ૧૬ ઓક્ટોબર, બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.
સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તા.૧૭ ઓક્ટોબરને ગુરુવારે સવારે ૯ થી ૧૧, અમલતાસ બેંકવેટ હોલ, એફસી સરોવર , ભાવનગર ખાતે રાખવામાં આવી છે.
૧૦૦ વર્ષ સુધી પ્રવૃત પ્રો.સુખદેવએ પ્રાકૃતિક રસાયણ ક્ષેત્રે અનેક સંશોધનો કર્યા છે અને ૧૦થી વધુ પુસ્તકો ૨૯૦થી વધુ રિસર્ચ પેપર તેમણે આપ્યા છે. ૫૫ થી વધુ પેટર્ન તેમના નામે રજીસ્ટર છે અને ૯૨થી વધુ વિદ્યાર્થીઓ તેમની પાસેથી પીએચ.ડી. થયા છે. નિરાભિમાની, મિતભાસી અને સદા પ્રવૃત્ત રહેનાર પ્રો.સુખદેવ પોતાના પુત્રી પૂર્ણિમાબેન અને લીલા ગ્રુપના કોમલકાંત શર્માના આગ્રહને માન આપી નિવૃત્તિ બાદ ભાવનગર સ્થાયી થયા હતા.
ભાવનગરમાં સ્થાયી થયાની સાથે આ શહેર સાથે પણ પોતાનો ભાવ સંબંધ બાંધી લીધો હતો. પોતાના સંશોધનપત્રો, હજારો પુસ્તકો સાથેનું ગ્રંથાલય તેમણે ભાવનગર યુનિવર્સિટીના રસાયણ ભવનને ભેટ આપ્યું છે તો ૯૦ વર્ષની વયે તેમણે વિદ્યાર્થીઓને વ્યાખ્યાન પણ આપ્યા હતા અને સ્કોલરશીપ આપીને વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે કામ કરવા પ્રોત્સાહિત પણ કર્યા છે.
પ્રો.સુખદેવ પરિવારમાં પત્ની શશીપ્રભા, પુત્રી ઈન્દુ-વેકંટ, પૂર્ણિમા-કોમલકાંત, પુત્ર દિપક-રાખી, પોત્રો અને દોહિત્રો કનિકા-વિશાલ, કનિક્ષા-નદિન, પ્રિયંકા-અમન, તનિક્ષા, કેલેન, ત્રિષા, આદિત્ય, પ્રપૌત્રો અદા, કોબે અને અરિને રડતા છોડી ગયા છે.






