સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિએ ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે, પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીને ચપ્પુના ઘા માર્યા બાદ પણ જીવ હવોથી તેના હાથની નસ પણ કાપી નાખી હતી. ત્યાર બાદ પતિએ પહેલાં પોતાના હાથની નસ કાપી પણ મોત ન થતાં નાયલોનની દોરી પંખા સાથે બાંધીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે દીકરાએ માતાની હત્યાનો ગુનો મૃતક પિતા વિરૂદ્ધ નોંધાવ્યો છે.
સુરતના ડિંડોલીમાં પ્રયોશા બ્લિચ નામના બિલ્ડિંગના ફ્લેટ નંબર 101માં પતિ રતનભાઈ નિમજે (ઉં.વ.53) ઘરમાં જ પત્ની નંદાબેન નિમજે (ઉં.વ.48)ને ચપ્પુના ઝીંકી પતાવી દીધી હતી. બાદમાં પોતે પણ પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ ઘટના અંગે જાણ કરવામાં આવ્યા બાદ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા એક ખૂણામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જ્યારે પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતો.
આ મામલે નિમેજ દંપતીના દીકરાના જણાવ્યા અનુસાર પિતા ધંધાના પૈસા ઘરે આપતા ન હતા અને વેપારીઓ પાસેથી ખરીદેલા માલના પૈસા પણ આપતા ન હતા. જેના કારણે તેઓ પૈસા ક્યાં નાખતા હતા તે બાબતે માતાએ પૂછ્યું હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. 17 ઓક્ટોબરના રોજ બપોરે દીકરો અને દીકરી બંને કામ ધંધે ગયા હતા અને પતિ-પત્ની બંને ઘરમાં એકલા હતા. ત્યારે આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.