રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોર્ટ પકડાઈ છે. અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ છે. આ અંગે નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમા બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી વાસણા ખાતે સરકારી જમીનનો એવોર્ડ પણ કરી નાંખ્યો છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયા, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો.
આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કર્યા હતા, જેની તપાસ કરવામાં આવતા સીટી સિવિલ કોર્ટ સામે જ તેનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરી અને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ કર્યું હતું ઊભું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી દીધી.
કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજુ કરી છેતરપિંડી કર્યા મામલે પણ ફરિયાદ કરવા કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદ બાદ તેની અરજી મુખ્ય સચિવ, રેવન્યુ સચિવ, ગૃહ વિભાગના સચિવ,રાજ્ય સરકાર અને અમદાવાદ કલેક્ટરને તેની કોપી મોકલી આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.