સુરતમાં CID ક્રાઈમની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મગદલ્લા વિસ્તારમાં થાઈ ગર્લ દ્વારા ચાલતું MD ડ્રગ્સનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. સુરત CID ક્રાઇમે થાઈ ગર્લ સહિત કુલ 14 ની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં થાઈ ગર્લ સહિત 9 મહિલા અને 5 પુરુષ સામેલ છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 દારૂની બોટલો પણ જપ્ત કરી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં મગદલ્લા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં રેવ પાર્ટી ચાલતી હોવાની બાતમી CID ક્રાઇમની ટીમને મળતા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે થાઈ ગર્લ સહિત 9 યુવતી તેમ જ 5 યુવાનની ધરપકડ કરી હતી. સાથે જ ઘરમાંથી 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 જેટલી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ઝડપાયેલા યુવકોમાં એન્જિનિયર અને જમીન દલાલ સામેલ છે. જ્યારે પકડાયેલી યુવતીઓ સિક્કિમ અને નેપાળની હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીમાં ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ પરીક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે પાર્ટી કરી રહેલા 14 પૈકી એક આરોપી અમિતકુમાર યાદવનાં ઘરમાં આ પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટી કરી રહેલા લોકોમાં નોકરિયાત, એન્જિનિયર, હીરા-દલાલ, ડેટા પ્રોસેસર્સ, જમીન દલાલનો સમાવેશ થાય છે. જ્યારે ઝડપાયેલી 9 મહિલા મગદલ્લા ગામમાં જ રહીને સ્પામાં નોકરી કરે છે. CID ક્રાઇમની ટીમે ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.