‘કહો દુશ્મનને દરીયાની જેમ હું પાછો જરૂર આવીશ એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે’… આ ઉક્તિ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ માટે સૌથી વધુ યોગ્ય ગણી શકાય કે એક વખત જેમના રાજકીય ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો સર્જાયા હતા તેઓ આજે દેશના એક સક્ષમ ગૃહમંત્રી અને મજબૂત રાજનેતા ઉપરાંત ભાજપ માટે ચાણકય પુરવાર થયા છે.
શ્રી અમીતભાઈ શાહ આજે પોતાનો 60મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ આજે ગુજરાતમાં પણ છે. દેશના 32માં ગૃહમંત્રી તરીકે મોદી 2.0 સરકારમાં સેવા આપવાનું શરૂ કર્યા બાદ હવે તેઓને દેશના ભવિષ્યના વડાપ્રધાન તરીકે પણ જોવાતા હોય તો તેમાં કોઈ અતિશ્યોક્તિ ગણાતી નથી. કારણ કે અમીતભાઈ શાહનું રાજકીય વ્યક્તિત્વ જ એવું બની ગયુ છે કે સરકારના સંચાલનમાં તેમની ભૂમિકા નિર્ણાયક છે અને રાજકીય વ્યુહ તેમજ ભારતીય જનતાપક્ષને શિખરે પહોંચાડવામાં પણ તેમનો પરિશ્રમ અનોખો રહ્યો છે.
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના સ્વયંમસેવક તરીકે ઘડતર મેળવ્યું અને અગાઉના જનસંઘ અને હાલના ભારતીય જનતાપક્ષના બુથના કાર્યકર્તા તરીકે તેઓએ પોતાની રાજકીય સફર ચાલુ કરી તે આજે પણ તેના મૂળમાં જોવા મળે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી યુગનો પ્રારંભમાં જ અમીત શાહની એક ચોકકસ ભૂમિકા લખાઈ ગઈ હતી. તેઓએ તે બેખૂબી ભજવી. કેટલોક સમય રાજકીય વનવાસ જેવો પણ આવ્યો તે સમયે એવું મનાતુ હતું કે અમીત શાહની રાજકીય કારકિર્દી પુરી થઈ છે પરંતુ તેઓએ ખુદે પોતાની કારકિર્દી લખી હોય તેમ વધુ તાકાતવર બનીને બહાર આવ્યા છે અને ગુજરાતથી દિલ્હીની સફર પણ આપણી સામે છે.
આજે પણ તેઓ એક કાર્યકર્તા જ છે અને તેમના વ્યક્તિત્વનું સૌથી શ્રેષ્ઠ પાસુ એ છે કે શક્તિશાળી ગૃહમંત્રી ભારત અને દુનિયા જેને દેશના નંબર ટુ જેવુ સ્થાન આપે છે તે તમામ છતાં પણ ગાંધીનગરના સાંસદ તરીકે તેઓ જે રીતે દર સપ્તાહે કે પખવાડીયે પોતાના મતવિસ્તારની મુલાકાત લઈને એક નાની સુવિધાને પણ લોકાર્પણ કરીને પોતાની લોકપ્રતિનિધિ તરીકેની ફરજ બજાવે છે તે કદાચ ભાગ્યે જ કોઈ બીજા ધારાસભ્ય કે સાંસદમાં જોવા મળી શકે. આમ લોક ચૂંટાયેલા લોકપ્રતિનિધિની પ્રથમ ફરજ શું હોવી જોઈએ તે અમીત શાહ દર્શાવે છે.
મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે તેઓએ જે રીતે 5 ઓગષ્ટ 2019માં કાશ્મીરમાં કલમ 370ની નાબુદીની સંસદમાં જાહેરાત કરી અને તે સમયે જે દહેશતની ધારણા વ્યક્ત થતી હતી તેનાથી વિરુદ્ધ અમીતભાઈ શાહે સંસદમાં ડંકાની ચોટ પર કહ્યું હતું કે લોહીનું એક પણ બુંદ વહેશે નહી અને તેઓ સાચા પડયા હતા.
ગૃહમંત્રી તરીકેની તેમની કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની અસર જોવા મળે છે તેમાં દેશ પ્રથમ તે તેમનો મંત્ર છે. સહકારમંત્રી તરીકે આ ક્ષેત્રને નવી તાકાત આપી છે. કદાચ દેશના એવા પ્રથમ ગૃહમંત્રી હશે કે હજુ સુધી એકપણ વિદેશી સફર કરી નથી.