અમદાવાદ સેટેલાઇટના એક સિનિયર સિટિઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI)ના નામે બે કરોડનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજિટલ અરેસ્ટ કરાયા હતા. ત્યારબાદ સાયબર ગઠિયાઓ 1.26 કરોડની છેતરપિંડી કરી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદના ચાર યુવકોની ધરપકડ કરી છે. જેમાં ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમાં મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના દ્વારા વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચતા કરવામાં આવતા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડિજિટલ એરેસ્ટની ઘટનામાં તાઇવાનના ચાર ગઠિયાઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં છેતરપિંડીના નાણાં ક્યા-ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ એસીપી માંકડિયા અને ઇન્સ્પેકટર ટી. આર. ગઢવી દ્વારા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરૂણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકર નામના યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. છેતરપિંડી માટે જે લીંકનો ઉપયોગ કરાયો હતો. તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના બદલામાં તેમને કમિશન મળતું હતું. આ ઉપરાંત, આરોપીઓની અન્ય ભૂમિકા તપાસમાં આવી રહી છે.