શેરબજારમાં ગુજરાતીઓનો દબાવને હોવાની વાત જાણીતી જ છે. હવે ઈન્વેસ્ટરોની સંખ્યામાં પણ ગુજરાતે નવો રેકોર્ડ બનાવ્યો છે અને પ્રથમ વખત અન્ય રાજયોને હંફાવીને ‘નંબર વન’નું સ્થાન મેળવ્યું છે. સપ્ટેમ્બરમાં ગુજરાતમાંથી નવા ત્રણ લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી નવા 3.02 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. ઓગષ્ટ-સપ્ટેમ્બરના બે માસમાં 135 ટકાનો વધારો થયો છે. ગુજરાત પ્રથમ વખત નવા ઈન્વેસ્ટરોના ઉમેરાની સંખ્યામાં પ્રથમ સ્થાને આવ્યુ છે. ઉતરપ્રદેશમાં 2.93 લાખ તથા મહારાષ્ટ્રમાં 2.60 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.
એનએસઈના રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, સપ્ટેમ્બરમાં નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્રને પાછળ રાખીને ગુજરાતે મેદાન મારી લીધુ છે. દેશના નવા કુલ ઈન્વેસ્ટરોમાં 14 ટકા માત્ર ગુજરાતમાંથી ઉમેરાયા હતા. ઉતરપ્રદેશના નવા 2.93 લાખ ઈન્વેસ્ટરો સાથે ટકાવારી 13.6 ટકા થવા જાય છે. મહારાષ્ટ્રનો હિસ્સો 12 ટકા છે. રાજસ્થાનમાંથી 1.65 લાખ તથા પશ્ચિમ બંગાળમાં 1.24 લાખ નવા ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો છે. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાલુ કેલેન્ડરવર્ષ પ્રાયમરી માર્કેટ માટે બ્લેકબસ્ટર નિવડયુ જ છે. રેકોર્ડબ્રેક સંખ્યામાં આઈપીઓ સાથે અત્યાર સુધીમાં જ કંપનીઓ એક લાખ કરોડથી વધુ નાણાં એકત્રીત કરી લીધા છે. હજુ અનેક જાણીતી-મોટી કંપનીઓના આઈપીઓ પાઈપલાઈનમાં છે તેને કારણે નવા-નવા ઈન્વેસ્ટરોની એન્ટ્રી થઈ રહી છે. મોટાભાગના આઈપીઓના લીસ્ટીંગ પ્રીમીયમથી થતા હોવાથી ઈન્વેસ્ટરોને સારી કમાણી છે. પરિણામે આકર્ષણ વધતુ રહ્યું છે.
ગુજરાતીઓ દાયકાઓથી શેરબજાર સાથે સંકળાયેલા જ છે અને વર્ષોથી દબદબો ધરાવે જ છે પરંતુ બાકી રહી ગયેલ નાના ઈન્વેસ્ટરો પણ તેમાં ઝુકાવી રહ્યા છે. ટ્રેડીંગથી દુર રહેવાનું પસંદ કરતા આ રોકાણકારો માત્ર આઈપીઓ પર જ ફોકસ કરી રહ્યા છે. ગુજરાત પાડોશી રાજયો એવા રાજસ્થાનમાં પણ રોકાણકારો વધી રહ્યા હોય તેમ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે સંખ્યા 32.4 ટકાનો વધારો સુચવે છે. સમગ્ર દેશલેવલે સપ્ટેમ્બરમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં 11.6 ટકાનો વધારો હતો. ઓગષ્ટમાં 19.6 લાખ નવા ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. સપ્ટેમ્બરમાં તે આંકડો 21.8 લાખનો થયો હતો. છેલ્લા એક માસમાં સૌથી વધુ ઈન્વેસ્ટરો ગુજરાતમાંથી ઉમેરાયા હોવા છતાં કુલ રોકાણકારોની સંખ્યામાં મહારાષ્ટ્ર નંબર-વન છે. 1.7 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર સાથે દેશના કુલ રોકાણકારોમાં 16.7 ટકાનો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં 1.2 કરોડ ઈન્વેસ્ટરો છે. દેશલેવલે 8.8 ટકાનો હિસ્સો છે. ગુજરાતમાં એક જ મહિનામાં ત્રણ લાખ નવા ઈન્વેસ્ટરોના ઉમેરાથી નિષ્ણાંતો પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે. ઉતરપ્રદેશમાં 23.70 કરોડ તથા મહારાષ્ટ્રમાં 12.7 કરોડની વસતી સામે ગુજરાતની જનસંખ્યા સાત કરોડ છે છતાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં મોટા રાજયોને હંફાવી રહ્યું.