વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે કેવડિયાની મુલાકાત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાંજે 6.30 વાગ્યે નર્મદા મૈયાની 1.50 લાખ દિપકોથી મહા આરતી કરવામાં આવશે. મહા આરતી પહેલાં વડાપ્રધાન કેવડિયાની શોભામાં અભિવૃધ્ધિ કરતાં વિવિધ પ્રોજેકટ તથા આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
દિપોત્સવનો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ કરવામાં આવ્યો છે અને તેના બદલે પીએમ સાંજે 6 વાગ્યે કેવડીયા આવશે અને લોકાર્પણ તથા આરંભ શિબિરમાં હાજરી આપશે તેવું નકકી કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળી ચૌદશ અને દિવાળીની ઉજવણી નર્મદા નદીના તટે વસેલાં કેવડિયામાં કરવા જઇ રહયાં છે. મંગળવારે મોડી રાત્રે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેઓ સાંજે 4 ના બદલે 6 વાગ્યે કેવડિયા આવશે અને લોકાર્પણ તથા સનદી અધિકારીઓની શિબિરમાં હાજરી આપશે.
બીજા દિવસે ગુરૂવારે સવારે 7.30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. જયાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલશે. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સવારે 9 વાગ્યાની આસ પાસ કેવડિયા થી વડોદરા જવા રવાના થશે. વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને અનુલક્ષીને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કેવડિયાને નો ફલાયઝોન પણ જાહેર કરી દેવાયું છે.